Sagun Plaza

"સગુન પ્લાઝા" હવે "આપણું સગુન પ્લાઝા" બન્યું છે અને એ આપણા સગુન પ્લાઝા ઉપર પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ અવિરત વરસતા રહ્યાં છે.

આજથી આશરે 24-25 વર્ષ પૂર્વે સગુન પ્લાઝાના ફ્લેટ વસ્ત્રાપુરમાં અસ્તિત્વમાં આવ્યાં. એ સમયે વસ્ત્રાપુરનો વિસ્તાર વિકાસના પ્રથમ પગથીયા પર હતો. અરે...!સમગ્ર વિસ્તારમાં પાકા રસ્તાઓ પણ ન હતાં. બસ વ્યવસ્થા પણ નહીવત હતી....તો આજુબાજુ જીવન જરૂરિયાતોની દુકાનો પણ ગણીગાંઠી હતી.
હા...., પણ સમયાંતરે વસ્ત્રાપુરનો વિકાસ પુરજોશથી થવા લાગ્યો, અને સગુણ પ્લાઝાના ફ્લેટવાસીઓ માટે વસ્ત્રાપુરનો વિકાસ આશીર્વાદરૂપ બન્યો. વહી જતાં સમયના પ્રવાહમાં સગુણ પ્લાઝાએ ઘણા ઘણા દરેક પ્રકારના તડકા-છાંયડાનો અનુભવ કર્યો છે.

વસ્ત્રાપુરનો અણધાર્યો વિકાસ સાલ 2000ના સમય દરમ્યાન પાણીની અછતમાં પરિણામ્યો. સગુણવાસીઓને પણ પાણીની અછત ભોગવવી પડી. સગુણ પ્લાઝાના રહેવાસીઓએ આ મુશ્કેલીનો સામનો સંપ સહકારથી સફળતાપૂર્વક કર્યો. મક્કમ મનથી કરેલી પ્રાર્થનાના પ્રસાદ સ્વરૂપે વરુણદેવ સગુણ પ્લાઝમા બોરવેલ દ્વારા પ્રગટયા અને સગુણવાશીઓએ નવચંડી યજ્ઞ દ્વારા જય જયકાર કરી વરુણદેવને આનંદભેર વધાવ્યા.

2001ની સાલમાં જયારે વાસુકી નાગે આળસ મરડી ને વસ્ત્રાપુરની ધરતી ધ્રૂજી ઉઠી. ઘણાં ફ્લેટ દરશાયી થયાં. ઘણાં ફ્લેટને ખૂબ મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો. પણ સગુન પ્લાઝા હિમાલયની જેમ અડીખમ ઉભુ રહ્યું. સગુણ પ્લાઝાના રહેવાસીઓના આત્મવિશ્વાસ તથા મક્કમ મનોબળના કારણે સગુન પ્લાઝાના કાળજે પડેલા ઘા - ઘસરકાઓ કાળક્રમે રૂઝાઈ ગયા. સગુન પ્લાઝાની ધરતી પવિત્ર ધરતી સાબિત થઇ.
સગુન પ્લાઝાના રહેવાશી ચાહે માલિક હોઈ કે ભાડૂઆત, કાળક્રમે આર્થિક  રીતે - સામાજિક રીતે દરેક પ્રકારે વિકાસ પામતા રહ્યાં છે. નોકરિયાતને પ્રમોશનના  લાભ મળ્યા છે, ધંધાદારીઓના ધધારોજગાર વિકસતા રહ્યા છે, અરે...! ઘણા ફ્લેટવાસીઓ તો બીજા નવા મકાનો-બંગલા બનાવી બે પાંદડે થયા છે. સગુન પ્લાઝાના દીકરા-દીકરીઓ સારા મળતાવડા જીવનસાથી મેળવવામાં સફળ રહ્યા છે....તો ભણતરના સ્તરે ઘણા દીકરા-દીકરીઓએ સારા રેંક  મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

અને દર વર્ષે ઉજવાતી નાવલી નવરાત્રીના દિવસો કેમ કરી ભુલાય.....? સગુનની માં -બહેનો અને દીકરીઓની સાથે સાક્ષત માં અંબિકા સગુનના ચાચર ચોકમાં ગરબે ઘૂમે અને તમામ સગુનવાસી આનંદ ઉલ્લાસમાં સારી પડે.....

સગુન પ્લાઝા છેલ્લા 24-25 વર્ષથી 72 કુટુંબોને આસરો આપી વિકસાવી રહ્યું છે. સગુનની ધરતી એ તમામ કુટુંબોને પાળી પોષી રહી છે. સામાન્યતઃ વિકાસના પંથે ચાલનારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સગુન પ્લાઝાને પણ આજ સુધી ઘણી અડચણો - મુશકેલીઓ નડી છે. છતાં સગુનના રહેવાસીઓએ તમામ અવરોધોને સફળતાપૂર્વક સંપથી પાર કર્યા છે. ...અને એજ આત્મવિશ્વાસ - મક્કમતા સગુનના રહેવાસીઓની અમૂલ્ય મૂડી છે.
સાથ સહકારની પ્રબળ ભાવનાને કારણે જ સોસાયટીના દરેક સભ્યએ સોસાયટીના નામની આગળ સરસ મજાનો હૈયે વસી જાય એવો શબ્દ લગાવ્યો અને દરેકને માટે "આપણું સગુન પ્લાઝા" બન્યું.

સોસાયટીના તમામ રહીશોએ સ્વચ્છતા તથા સાથ સહકારનું પાલન કરવાનો સ્વીકાર કર્યો જેનું પરિણામ આજ સૌની નજર સમક્ષ છે. સગુણ પ્લાઝાએ જાણે કાયા પલટ કરી......! સોસાયટીમાં પ્રવેશતાં જ સ્વચ્છ રસ્તા પરથી પસાર થતાં મન શાંતિ અનુભવે છે - હૈયું આનંદથી છલકી ઉઠે છે.......!